ગ્રામ વિકાસના અને ખાસ કરીને ગરીબી નિવારણના કાર્યક્રમોનું આયોજન, અમલ, સંચાલન અને દેખરેખ સરળતાથી થઈ શકે એ માટે જે તે વિસ્તારની આર્થિક, સમાજિક અને ભૌગોલીક પરિસ્થિતિને અનુલક્ષીને સ્થિતિ સ્થાપકતા લાવી શકાય તે હેતુથી સમગ્ર દેશના તમામ જિલ્લાઓના જિલ્લાકક્ષાએ ગ્રામ વિકાસ એજન્સીની સ્થાપના કરવામાં આવી છે.

આ એજન્સી કેન્દ્ર સરકારના રજીસ્ટ્રેશન ઓફ સોસાયટીઝ એકટ-1860 હેઠળ તેમજ બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટ-1950 હેઠળ નોંધાયેલી સ્વાયત્ત સંસ્થા છે.

ગરીબી નિવારણના વિવિધ કાર્યક્રમો હેઠળ ભારત સરકાર અને રાજય સરકારની ગ્રાન્ટ મેળવી યોજનાઓનો અમલ પોતાના હાથ નીચે કાર્ય કરતી તાલુકાકક્ષાએ રહેલ આઈ.આર.ડી. બ્રાન્ચ દ્વારા કરાવે છે. એજન્સીના ચેરમેન તરીકે હોદ્દાની રૂએ જિલ્લા વિકાસ અધિકારી ફરજ બજાવે છે. જયારે રાજય વહિવટી સેવાના અધિક કલેકટરકક્ષાના અધિકારી એજન્સીના નિયામક તરીકે ફરજ બજાવે છે. તેઓ એજન્સીના મુખ્ય વહિવટી અધિકારી ગણાય છે. ગ્રામ વિકાસ ક્ષેત્રે જરૂરી હોય તેવા વિવિધ પાસા જેવાંકે, ખેતી, પશુપાલન, સહકાર, નાનાઉદ્યોગો, વનીકરણ વગેરે ક્ષેત્રોને આવરી લેવાના હેતુથી જે તે વિભાગના અધિકારીઓ / કર્મચારીઓને પ્રતિ નિયુકત પર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં નિમણુંક આપી, ગ્રામ વિસ્તારોનો સમગ્રપણ વિકાસ થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે.